PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ અબજોપતિ હીરાના વેપારી મેહુલ ચોક્સી પર ભારત સરકાર સકંજો કસી રહી છે. મેહુલ ચોક્સી કેરેબિયન દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં દાખલ છે અને તેના ભારત પ્રત્યાર્પણની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. મેહુલ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ પ્રાપ્ત છે જ્યાં તે તેની ગર્લફ્રેન્ડ બાબરા જરાબિકા સાથે એશ કરી રહ્યો હતો. એન્ટીગુઆ અને બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉન અનુસાર ચોક્સી તેની ગર્લફ્રેન્ડ (બાબરા જરાબિકા) સાથે ડિનર માટે અથવા ‘સારો સમય’ ગાળવા માટે યૉટ દ્વારા પડોશી દેશ ડોમિનિકા ગયો હતો અને ત્યાં જ પકડાયો હતો. મેહુલને પકડ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ બાબરા જરાબિકા પણ ગુમ થઈ ગઈ હતી. ચાલો જાણીએ કોણ છે મેહુલ ચોક્સીની રહસ્યમય ગર્લફ્રેન્ડ બાબરા જરાબિકા ….
કોણ છે બાબરા જરાબિકા?
કેરેબિયન મીડિયા અનુસાર, બાબરા જરાબિકા પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ છે અને તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. એન્ટિગુઆમાં ચોક્સીના વકીલોનું કહેવું છે કે તેનો ક્લાયન્ટ 23 મેના રોજ તેની ગર્લફ્રેન્ડ બાબરા જરાબિકાને મળવાનો હતો, તે દરમિયાન જોલી હાર્બર વિસ્તારમાંથી તેનું અપહરણ કરાયું હતું. તેમણે કહ્યું કે બાબરા જરાબિકા અને મેહુલ ચોક્સીની મુલાકાત થઈ શકી ન હતી કારણ કે હીરાના વેપારી રેસ્ટોરન્ટમાં જતાં હતા ત્યારે તેનું અપહરણ થયું હતું. વકીલોએ દાવો કર્યો હતો કે મેહુલ અને બાબરા બંને છેલ્લા એક વર્ષથી મિત્રો છે અને ઘણીવાર એન્ટીગુઆ અને બાર્બુડાની આસપાસ મળતા હતા. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે મેહુલ અને બાબરા જરાબિકા વચ્ચે કોઈ બિઝનેસ, મિત્રતા અથવા કોઈ રોકાણ સંબંધી રિલેશન છે.
આલીશાન જીવન વ્યતીત કરે છે બાબરા
બાબરા જરાબિકા ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી જાણકારી મળે છે કે તેને લક્ઝરી યૉટનો આનંદ લેવાનું પસંદ છે. તેણે બુડાપેસ્ટની એક મોંઘી હોટલમાં રોકાવાનો ફોટો પણ મૂક્યો છે. અન્ય એક ફોટોમાં બાબરા જરાબિકા હેલિકોપ્ટરમાં બેઠેલી જોવા મળી રહી છે. બાબરા જરાબિકા ટ્રાવેલ, બિઝનેસ અને સ્પોર્ટ્સની ખૂબ શોખીન ગણવામાં આવે છે.