તૌકતે વાવાઝોડાને કારણે વીજળી ડુલ થતા હિન્દુ પરિવારે પાડોશી ધર્મ બજાવી બચાવ્યા મુસ્લિમ બિરાદરના પ્રાણ

એક બાજુ કોરોનાની બીજી લહેર અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાના કહેરે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે એવા ઘણાં સમાજસેવીઓ છે જેમણે આવા કપરા સમયમાં જનસેવા કરીને માનવતાને મહેકાવી છે. એવા જ એક વ્યક્તિ છે પંકજભાઈ પટેલ કે જેમણે ઇકબાલ અહેમદ સૈયદની મદદ કરીને તેમનો જીવ તો બચાવ્યો જ છે પણ સાથે સાથે હિંદુ-મુસ્લિમ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

તાજેતરમાં રાજ્યને ઘમરોળતા ‘તૌકતે’ના તોફાનની અસર મહદઅંશે ડાંગ જિલ્લામાં પણ થઈ હતી. અહીં વાવાઝોડા અને વરસાદને કારણે કેટલાંક સમય માટે વીજપુરવઠો ખોરવાયો હતો. આ દરમિયાન ડાંગ જિલ્લામાં વઘઈ પાસે આવેલા રાજેન્દ્રપુર ખાતે છેલ્લા 6 મહિનાથી ઘરે પથારીવશ રહેલા મુસ્લિમ બિરાદર ઈકબાલ અહેમદ સૈયદની ચાલી રહેલી ઘરગથ્થુ સારવાર પણ પ્રભાવિત થઈ હતી.

pc: gujaratinformation.gujarat.gov.in

ઈકબાલભાઈનું 6 મહિના આગાઉ સુરતની યુનિક હોસ્પિટલમાં મગજનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ તેમને સતત કફ રહેતો હતો તેથી વેક્યુમથી કફ બહાર કાઢવા માટે પોર્ટેબલ ફ્લેગમ સક્શન મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મશીન તેમના પરિવારજનોએ જ વસાવ્યું હતું. વીજળીથી ચાલતા આ મશીન દ્વારા નિયમિત અંતરાલે કફ વેક્યુમ કરી બહાર કાઢી તેમને રાહત આપવામાં આવતી હતી. આ માટે ઓપરેશન કરનાર સુરતની યુનિક હોસ્પિટલના તબીબોએ દર્દીના ગળામાં હોલ કરીને પાઈપ મારફત આ મશીનના માધ્યમથી કફ બહાર કાઢવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. આ કારણે દર્દીને શ્વાસ લેવામાં રાહત મળી રહી હતી.

pc: gujaratinformation.gujarat.gov.in

તૌકતે વાવાઝોડાની અસર હેઠળ વીજપુરવઠો ખોરવાતા નિયમિત વીજળીની જરૂરિયાત ધરાવતી આ સિસ્ટમ પણ ખોરવાઈ જવા પામી હતી. આ કારણે ઇકબાલ અહેમદ સૈયદને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે તેમનો પરિવાર ખૂબ ઘભરાઈ ગયો હતો. આ વાતની જાણ રાજેન્દ્રપુરમાં રહીને DJનો વ્યવસાય કરતા હિન્દુ પરિવારને થતા આ પરિવારના મોભી પંકજભાઈ પટેલ તરત જ ઈકબાલની મદદે પહોંચ્યા હતા. પંકજભાઈએ તરત જ તેમના ઘરે રહેલા હોન્ડા જનરેટર સેટની મદદથી ઇકબાલભાઈના ઘરે સતત વીજપુરવઠો જળવાઈ રહે તેની તકેદારી સાથે, દર્દીની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી હતી. પોતાના ખર્ચે ડીઝલ મંગાવીને અહીંયા વીજપુરવઠો પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી એકધારી વ્યવસ્થા જાળવીને, પંકજભાઈ તથા તેના પરિવારે દર્દી તથા તેના પરિવારની મૂંઝવણ દૂર કરી હતી.

pc: gujaratinformation.gujarat.gov.in

આ ઘટનાની જાણ રાજેન્દ્રપુર તથા વઘઇ નગરમાં થતા મુસ્લિમ અગ્રણી ઈમરાનભાઈ મેમણે સમગ્ર મુસ્લિમ સમાજવતી પંકજભાઈ તથા તેના પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે. સામાજિક સદભાવની આ મિશાલ કાયમ કરતા પંકજભાઈને હિન્દુ અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *