કોણ છે અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદર, જાણો તેમની લવ સ્ટોરી

કોરોના રોગચાળો ફેલાયેલો છે તેની વચ્ચે બોલીવુડના જાણીતા અભિનેતાઓ ઇરફાન ખાન અને રિશી કપૂરનું નિધન થયું છે. જ્યારે 53 વર્ષીય અભિનેતા ઇરફાન ખાનના મૃત્યુના સમાચારો 29 એપ્રિલ 2020ના રોજ પ્રકાશમાં આવ્યા, તેના એક દિવસ પછી પ્રખ્યાત અભિનેતા રિશી કપૂર (67) 30 એપ્રિલ, 2020ના રોજ અવસાન પામ્યા. બંનેના મોતની જાણ થતાંની સાથે જ હિન્દી સિનેમાની દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તમને જણાવી દઈએ કે ઇરફાન ખાનને કોલોનલ ઇન્ફેકશનને કારણે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાને લંડનમાં ન્યુરોઇન્ડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવી હતી. તેઓ લાંબા સમયથી તબિયત અંગે પરેશાન હતા પરંતુ તેઓ એક ફાઇટર હોવાને કારણે તેમણે ક્યારેય હાર માની ન હતી. કેન્સર સામેની લડત જીતવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘તે તેની પત્ની માટે જીવંત રહેવા માંગે છે. દરેક ફેન ઈરફાન ખાનના અભિનય અને તેમના સંવાદો કહેવાની શૈલીના પ્રશંસક હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન, તેમણે પોતાની માંદગી અને અંગત જીવન વિશે ઘણી વાતો શેર કરી હતી.

ઈરફાન ખાને કહ્યું હતું – મારા માટે આ સમય રોલર કોસ્ટરની સવારી જેવો રહ્યો છે. જેમાં અમે થોડું રડ્યા અને ઘણું હસ્યા. તેમને કહ્યું કે આ દરમિયાન હું ખૂબ જ ભયંકર બેચેનીમાંથી પસાર થયો પરંતુ ક્યાંકને ક્યાંક મેં તેને કંટ્રોલમાં રાખી. એવું લાગી રહ્યું હતું જાણે કે તમે સતત પોતાની સાથે જ હોપસ્પોચ રમી રહ્યા હોવ. પત્ની સુતાપા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેના વિશે હું શું કહું? તે મારી પડખે રાત દિવસ 24 કલાક ઉભી રહી છે. મારી કાળજી લીધી અને તેના કારણે મને ખૂબ મદદ મળી છે. ઇરફાન ખાને એ પણ કહ્યું કે – હું અત્યાર સુધી છું તેનું કારણ મારી પત્ની જ છે અને જો મને જીવવાની તક મળશે તો હું તેના માટે જ જીવવા માંગીશ.

ઇરફાનની પત્ની સુતાપા સિકદર

ઈરફાન ખાનને બે સંતાન છે. તમને જણાવી દઈએ કે ઇરફાન ખાને વર્ષ 1995માં સુતાપા સિકદર સાથે લગ્ન કર્યા હતા. દિલ્હીમાં જન્મેલી સુતાપા ઇન્ડિયન ફિલ્મ સ્ટોરી અને ડાયલોગ રાઈટર છે. તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ઈરફાનની સાથી સ્નાતક હતી. સુતાપા ફિલ્મ ખામોશી: ધ મ્યૂઝિકલ, સુપારી અને શબ્દમાં ડાયલોગ રાઈટર રહી ચૂકી છે. સુતાપા અને ઈરફાન તેમના કોલેજના દિવસો દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને 23 ફેબ્રુઆરી, 1995ના રોજ બંનેનાં લગ્ન થયાં હતાં.

સુતાપા અને ઇરફાનની લવ સ્ટોરી

ઇરફાન જ્યારે માસ્ટર ડિગ્રી કરી રહ્યા હતા તે વખતે દિલ્હીના NSDથી ઓડિશન કોલ આવ્યો હતો. તેઓ તરત જ ઓડિશન આપવા ગયા. તેઓ ઓડિશનમાં પાસ થયા અને ઇરફાન ખાનને સ્કોલરશીપ પણ મળી. ઈરફાન ખાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ બનવા માટે દિલ્હી પહોંચ્યા હતા. કોલેજના દિવસોમાં તેમની મુલાકાત સુતાપા સિકદર સાથે થઈ હતી. બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંને રિલેશનશિપમાં આવી ગયા. વર્ષ 1995ના ફેબ્રુઆરી મહિનામાં બંનેએ સિમ્પલ કોર્ટ મેરેજ કરી લીધા અને પતિ-પત્ની તરીકે જીવન શરૂ કર્યું.

સુતાપાએ ફેસબુક પર ભાવનાત્મક પોસ્ટ લખી હતી

ગયા વર્ષે એપ્રિલમાં સુતાપા સિકદરે ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને બધા લોકોનો આભાર વ્યક્ત કાર્યો હતો જેમણે ઈરફાન ખાનની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘આ જીવનનું સૌથી લાંબું વર્ષ રહ્યું છે. સમયને પીડા અને આશા એમ બંને સાથે મળીને માપી શકાતો નથી. જ્યારે અમે કામ કરવા માટે નાના પગલા લઈ રહ્યા છીએ, ત્યારે હું તે મિત્રો અને અજાણ્યા લોકોનો આભાર માનું છું, જેમણે અમને નવી શરૂઆત કરવાની એક નાની તક આપી છે. તે અકલ્પનીય લાગે છે. મેં આટલી સારી રીતે અનપેક્ષિતનો અર્થ ક્યારેય અનુભવ્યો ન હતો.

આ અગાઉ મેં લોકોની પ્રાર્થનાની અસર મારા શ્વાસ અને ધબકારા સુધી અનુભવી ન હતી. હું લોકોના નામ લઈ શકતી નથી કારણ કે તેમાંના ઘણા એવા લોકો છે જેમના નામ મને ખબર નથી અને તેઓ ફરિસ્તાઓની જેમ અમારા માટે પ્રાર્થના કરતા હતા. સુતાપાએ આગળ લખ્યું- ‘હું તે બધાની માફી માંગવા માંગુ છું કે જેમનો હું આભાર પણ ન વ્યક્ત કરી શકી, પણ હું જાણું છું કે તમે અમારા માટે શું મહત્ત્વ રાખો છો. જીવનમાં હવે હળવાશ અને શાંતિ છે. અમે કામ પર પાછા ફર્યા છીએ, જીવનનું નૃત્ય ચાલુ છે. પ્રાર્થનામાં વિશ્વાસ અપાવવા બદલ ખૂબ ખૂબ આભાર.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *