ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, PMના નિર્ણયને CMએ માન્યો

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-12 CBSE પરીક્ષાઓ આ વર્ષે નહીં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે PM મોદીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહીં યોજવાનો નિર્ણય કર્યો છે, એમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ – માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.7મી જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.

ગઈકાલે PM મોદીએ CBSEની પરીક્ષા રદ કરી હતી

CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ગઈકાલે એટલે કે 1 જૂન 2021ના રોજ 5 વાગ્યાના સમયની આસપાસ ગુજરાત બોર્ડે ઉતાવળમાં ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. કેન્દ્ર સરકારે આ ટાઈમ ટેબલ જાહેર થયાના 2 કલાક બાદ જ CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *