WhatsApp એ ભારત સરકાર વિરુદ્ધ દાખલ કર્યો કેસ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપએ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હીમાં એક કેસ દાખલ કર્યો છે જેમાં નવા નિયમો પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 25 મેના રોજ દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કંપનીએ કોર્ટમાં દલીલ કરી છે કે ભારત સરકારના નવા આઇટી નિયમોથી પ્રાઈવેસી સમાપ્ત થઈ જશે.

રોઇટર્સ અનુસાર, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના નવા નિયમો બંધારણમાં વર્ણવેલ પ્રાઈવેસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કંપનીનો દાવો છે કે વોટ્સએપ ફક્ત પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા લોકો માટે જ નિયમન ઇચ્છે છે.

વોટ્સએપે આપ્યું આ નિવેદન

વોટ્સએપના પ્રવક્તાએ આ વિષયમાં કહ્યું કે, વોટ્સએપના મેસેજ એન્ક્રિપ્ટેડ છે, તેથી લોકોની ચેટને આ રીતે ટ્રેસ કરવી એ વોટ્સએપ પર મોકલેલા તમામ સંદેશાઓ પર નજર રાખવા બરાબર છે, જે યુઝર્સ પ્રાઈવેસી સમાપ્ત કરી નાખશે.

તેમણે કહ્યું કે અમે પ્રાઈવેસીના ઉલ્લંઘન અંગે વિશ્વભરની સિવિલ સોસાયટી અને નિષ્ણાતોના સંપર્કમાં છીએ. આ સાથે જ અમે ભારત સરકાર સાથે સતત ચર્ચા દ્વારા કોઈ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રવક્તાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા અને જરૂરી કાનૂની સમસ્યાઓનું સમાધાન શોધવાનો છે.

મેસેજનું ઓરિજીન શોધવાની જરૂર

નવા નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ પણ કન્ટેન્ટ અથવા મેસેજ સૌથી પહેલા ક્યાંથી પલ્બ્લીશ કરવામાં આવ્યો છે તેની માહિતી પ્રાપ્ત કરવાની જરૂર હોય છે જ્યારે તેના વિશેની માહિતી માંગવામાં આવે છે.

રોઇટર્સએ સ્વતંત્ર રીતે આ અરજીની પુષ્ટિ કરી નથી. સાથે જ એન્જસીને આ જાણકારી આપનાર વ્યક્તિના નામ પણ ગુપ્ત રાખવામાં આવેલા છે કારણ કે આ બાબત ભારતમાં અતિ સંવેદનશીલ બની ગઈ છે. દેશમાં હાલમાં લગભગ 40 કરોડ જેટલા વ્હોટ્સએપ યુઝર્સ છે. હવે દિલ્હી હાઈકોર્ટમાં આ ફરિયાદની સમીક્ષા કરવામાં આવશે કે નહીં તે વિષયમાં હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *