મહિલા નર્સરીઓમાં કરવામાં આવે છે નાના બાળની માફક રોપાઓનો ઉછેર

કહેવાય છે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે છે અને આજ મા પોતાના બાળકની જેમ કુમળા રોપાઓનો પણ એજ રીતે ઉછેર કરે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી શકે છે. રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ હેઠળ 16 મહિલા નર્સરી હાલ કાર્યરત છે. આ મહિલા નર્સરી દ્વારા વર્ષ 2021-22 હેઠળ અંદાજિત 2.25 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

મહિલા નર્સરી દ્વારા ઉછેર કરાતા રોપાઓનું તેઓ સરકારી ધોરણે વેચાણ કરે છે. તેમજ નર્સરીમાં ઉછેરાયેલા રોપા દીઠ તેમને બે રૂપિયા જેટલું મહેનતાણું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, તેમ મુંજકા નર્સરી સાથે સંકળાયેલા ભારતીબેન વાળા જણાવે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત મહિલાઓ કે જે નર્સરી ચલાવવા ઇચ્છુક હોઈ તેમજ નિયમોનુસાર ઉછેર કરી શકવા માટે સક્ષમ હોઈ તેઓને નર્સરી ફાળવી રોપા ઉછેરનો લક્ષ્યાંક આપવામાં આવે છે. રોપાઓ તૈયાર થયા બાદ તેઓને ત્રણ હપ્તામાં રકમનું ચૂકવણું કરવામાં આવે છે, તેમ મુંજકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જણાવે છે.

મુંજકા સ્થિત મહિલા નર્સરી ચલાવતા અમિતાબેન સોલંકી છેલ્લા ચાર વર્ષથી મહિલા નર્સરીનો લાભ લે છે. તેઓ વન વિભાગનો આભાર માનતા જણાવે છે કે, અમે આ વર્ષે 25 હજાર રોપાઓનો ઉછેર કર્યો છે. જેમાં, તુલસી, પોપૈયા, કરણ, બોગન વેલ, કડવી મેંદી, કોનોકાર્પ્સ સહિતના રોપાઓ તૈયાર કર્યા છે. જે અમે 2 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની કિંમતે વેચાણ કરીએ છીએ. આ કામથી અમારા પરિવારના સભ્યોને ગમતું કામ મળી રહે છે અને અમારા પરિવારનું ગુજરાન ચલાવવામાં આ નર્સરી મદદરૂપ બને છે.

પ્રતિવર્ષ 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પર્યાવરણને હરિયાળું બનાવવાના પ્રતિકરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ધરતી હરિયાળી બને અને આપણી આસપાસનું પર્યાવરણ શુદ્ધ બને તેની ચિંતાની સાથે સમાજ જીવનમાં વસતા અનેક જરૂરીયાતમંદ પરિવારોની પણ ચિંતા કરી નર્સરીઓના માધ્યમથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગ આપવાનું અને વૃક્ષ સાથે વ્યક્તિઓને જોડવાનું સંનિષ્ઠ કાર્ય વર્ષોથી થઈ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિને આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી વન વિભાગના આ કાર્યને બિરદાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *