ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) -14ની બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. આ મેચ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) માં રમાડવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર 29 મેના રોજ તેની જાહેરાત BCCIની વિશેષ સામાન્ય સભા (SGM) માં કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ IPL UAEમાં યોજાઈ હતી.
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે 9 દિવસનો ગેપ છે. રિપોર્ટ અનુસાર BCCI બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટ વચ્ચેનો ગેપ ઘટાડીને 4 દિવસ કરી શકે છે. તેનાથી BCCIને IPL માટે વધુ સમય મળશે. જો કે, BCCIએ આ માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને હજી સુધી કોઈ ઔપચારિક વિનંતી કરી નથી.
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ પૂરો થશે. આવી સ્થિતિમાં, જો ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તો પણ, BCCI પાસે ટી-20 વર્લ્ડ કપ પહેલા એક મહિના (15 સપ્ટેમ્બર – 15 ઓક્ટોબર) ની વિંડો હશે. આ 30 દિવસમાં ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટરોને બ્રિટનથી UAE લાવવા આખો દિવસ અલગ રાખવો પડશે. નોકઆઉટ સ્ટેજ માટે 5 દિવસનો સમય અલગ રાખવો પડશે. આવી સ્થિતિમાં ભારતીય બોર્ડ પાસે 27 મેચ પૂર્ણ કરવા 24 દિવસનો સમય રહેશે. આ વિંડોમાં 8 શનિવાર-રવિવાર છે. જેનો અર્થ છે કે વિકેન્ડમાં 16 મેચ(ડબલ હેડર) થઈ શકે છે. બાકીના 19 દિવસોમાં 11 મેચ યોજાઈ શકે છે.
IPLની 14મી સિઝન ફરી શરૂ નહીં કરે તો BCCIને આશરે 3000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તેથી, BCCI કોઈપણ સંજોગોમાં 14મી સિઝનને પૂર્ણ કરવા માગે છે. તેને આશા છે કે ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓના કારણે વિદેશી ખેલાડીઓ પણ IPLમાં ભાગ જરૂર લેશે. નોંધપાત્ર વાત એ છે કે IPLની 14મી સીઝન 9 એપ્રિલે શરૂ થઈ હતી પરંતુ કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં IPLની આ સિઝન મુલતવી રાખવી પડી હતી. IPLમાં ટુર્નામેન્ટ સ્થગિત થયા સુધી કુલ 29 મેચ રમાડવામાં આવી હતી.