રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાત આવી રહેલી એક કારમાંથી પોલીસે કરોડો રૂપિયા કબજે કર્યા છે. શનિવારે જિલ્લાના બિછીવાડા પોલીસ મથકે નેશનલ હાઇવે રોડ 8 પર મોટી કાર્યવાહી કરી રૂ 4.5 કરોડની રોકડ રકમ કબજે કરી હતી. હવાલાના કાળા નાણાં સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ કરોડો રૂપિયા દિલ્હીથી ગુજરાત લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોકડ રૂપિયા હવાલાના છે.
DSP મનોજ સવારિયાએ જણાવ્યું હતું કે, હાલમાં પૈસા કબજે કરી લેવામાં આવ્યા છે અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ મામલો હવાલાનો જણાઈ રહ્યો છે. જોકે પોલીસ હજી કાર્યવાહી કરી રહી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
બેંકમાંથી મંગાવવું પડ્યું નોટ ગણવા મશીન
પોલીસ સ્ટેશનમાં આટલી નોટો ગણવા માટે કોઈ મશીન ન હતું. તેથી આટલી મોટી રોકડ રકમની ગણતરી કરવા માટે મશીન પણ બેંકમાંથી મંગાવવું પડ્યું હતું. આટલી મોટી રકમની ગણતરી કરતા સવારથી સાંજ થઈ ગઈ હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જે કાર DL8CA X3573 માંથી આ પૈસા કબજે કર્યા હતા તે કાર પણ કબજે કરવામાં આવી છે.