ટેસ્લાના માલિક, એલન મસ્ક, ક્યારેક એક ટ્વીટ કરીને બિટકોઇનના ભાવ આસમાન પર પહોંચાડી દે છે અને ક્યારેક ટ્વીટ કરીને નીચે લાવી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી એવું તો શું છે, જે લોંચ સમયે એક ડોલરની કિંમતની હતી (તે સમયે આશરે 50 રૂપિયા) અને હવે તેની કિંમત 50 લાખ છે. શું તમને પણ સવાલ થાય છે કે અંતે, આ કઈ ટેકનોલોજી છે જેનાથી થોડા દિવસોમાં લાખોનો ફાયદો થાય છે અને થોડા કલાકોમાં બધું ડૂબી જાય છે.
જો તમારું મન પણ ક્રિપ્ટોકરન્સીની વાત સાંભળીને ચકડોળે ચડ્યું છે તો ચાલો તેને સમજવાનો એક નાનો પ્રયાસ કરીએ.
આ રીતે થયો બિટકોઇનનો જન્મ
ચાલો શરૂઆતથી શરૂ કરીએ અને જઈએ 2009 માં, જ્યારે બિટકોઇન નામની પઝલ વિશ્વમાં પ્રથમ વખત સામે આવી. તે શું છે તેના વિશે કોઈને કંઈ પણ ખબર ન હતી. હું તમને બિટકોઇન વિશે સમજાવું તે પહેલાં, તમારે ક્રિપ્ટોકરન્સી શું છે તે સમજવું જરૂરી છે. ક્રિપ્ટો એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ ‘ગુપ્ત’ થાય છે અને તમે કરન્સીનો અર્થ તો જાણો જ છો એટલે કે ‘ચલણ’. આમ ક્રિપ્ટો કરન્સીણો અર્થ થાય છે ‘ગુપ્ત ચલણ’ કે જેના વિશે કોઈને જાણકારી ન હોય. આમ બિટકોઇન એ ગુપ્ત ચલણ એટલે કે ક્રિપ્ટોકરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સી છે જે ફક્ત એક ટેકનોલોજીની કમાલ છે પરંતુ ભૌતિક રૂપે તે ઉપલબ્ધ નથી.
બિટકોઇન
તેની વાર્તાની શરૂઆત 2008ની અમેરિકાની નાણાકીય કટોકટીથી થઈ, જેણે આખા વિશ્વને તેના ભરડામાં લીધું હતું. આ કટોકટીને લીધે લોકો થોડા સમય માટે બેંક સહિત નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા. આ કારણસર, વિશ્વનું પ્રથમ ફ્રી કરન્સી બિટકોઇન અસ્તિત્વમાં આવી. એવું કહેવામાં આવે છે કે 2009 માં જાપાનના વૈજ્ઞાનિક સાતોષી નાકામોતોએ બિટકોઇનની શોધ કરી હતી, પરંતુ આજદિન સુધી તેના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. કેટલાક લોકોના મતે, તે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ એક જૂથનું નામ છે. કેટલાક લોકોએ પોતે સાતોષી હોવાનો દાવો પણ કર્યો હતો, પરંતુ આજદિન સુધી કોઈ તે સાબિત નથી કરી શક્યું કે સાતોષી નાકામોતો કોઈ છે પણ કે નહીં.
કોઈ બેંક તેને નિયંત્રિત કરતી નથી.
હવે સમય છે તે અદભૂત ટેકનોલોજી વિશે જાણવાનો કે જેના પર બિટકોઇન અથવા અન્ય ક્રિપ્ટો કરન્સી બનાવવામાં આવી છે. તેનું નામ છે બ્લોકચેન ટેકનોલોજી. બ્લોક અને ચેન તેના નામમાં જ આખી રમત છે. એમ સમજી લો કે આ એક ડેટાબેઝ છે જેમાં લાખો બ્લોક્સ એટલે કે કમ્પ્યૂટર ચેન એટેલે કે ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલા છે અને તેમાં દરેક ટ્રાન્ઝેક્શનણો ડેટા સેવ છે. એટેલે કોઈ એક વ્યક્તિ, ઓથોરિટી કે સરકાર તેને કંટ્રોલ નથી કરી શકતી. કોઈ તેને હેક નથી કરી શકતું કે કોઈ ફેરફાર પણ નથી કરી શકતું. તેથી બિટકોઇન સેફ માનવામાં આવે છે કારણ કે તેના પર કોઈનું નિયંત્રણ નથી.લ બીજા શબ્દોમાં કહીએ તો બિટકોઇનનું આઝાદ હોવું જ તેની સૌથી મોટી ખૂબી છે. રૂપિયા, ડોલર કે યુરોની માફક તેને કોઈ સેન્ટ્રલ બેંક (જેવી રીતે ભારતમાં RBI અને અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક) નિયંત્રિત નથી કરતી તેથી તેનું પગેરું મળતું નથી, જેમ કે તમારા બેંકના ટ્રાન્ઝેક્શનની ચપટી વગાડતા જાણકારી મેળવી શકાય છે. આથી જ તે દુનિયાભરમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટેનું એક મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે. આજે, બિટકોઇનમાં ખંડણી માંગવી કોઈ નવી વાત નથી.
બિટકોઇનમાં ટ્રાન્ઝેક્શન કોડ દ્વારા થાય છે. જો તમે બિટકોઇન ખરીદવા માંગતા હો, તો તમને તે કીઝ (કોડ્સ) મળશે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કમાં ચકાસવામાં આવશે. જ્યારે તમારે બિટકોઇન વેચવો હશે, ત્યારે તમારે કોડ વેચવો પડશે જે આ વખતે નવો હશે. જો કે હાલમાં માર્કેટમાં ઘણાં બધા એક્સચેન્જ એપ પણ છે જે કમિશન પર આ કામ કરે છે.
ભારતમાં પણ તૈયારીઓ ચાલી રહી છે
વિશ્વભરમાં હાલમાં લગભગ 200 ક્રિપ્ટોકરન્સી છે, જેમાંથી બિટકોઈન, લાઇટકોઇન, ઇથેરિયમ, ઝેડકેશ, સ્ટેલર લ્યૂમેન મુખ્ય છે. ક્રિપ્ટોકરન્સી વિશ્વના ઘણા દેશોમાં માન્ય છે, પરંતુ ભારતમાં સરકારે હાલમાં તેને માન્યતા આપી નથી. જો કે, સરકાર આ અંગે મંથન કરી રહી છે. અનુરાગ ઠાકુરે આ વિષયના નિષ્ણાતો સાથે બેઠક યોજી ચૂક્યા છે અને ટૂંક સમયમાં આ અધ્યયન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી શકે છે.
જો તમે પણ તેમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા તેના વિશે વધુ જાણકારી મેળવી લો અને પછી તમારે શું કરવાનું છે તે નક્કી કરો. વિશ્વમાં ફક્ત 21 મિલિયન બિટકોઇન્સ જ માઈન કરી શકાય એમ છે અને 2021 ફેબ્રુઆરી સુધીમાં લગભગ 18 મિલિયન બિટકોઇન્સ માઇન થઈ ચૂક્યા છે અને એવું માનવામાં આવે છે કે 2140 સુધીમાં છેલ્લો બિટકોઇન માઇન કરી લેવાશે.
બિટકોઇનનો પ્રારંભિક ભાવ કેટલો હતો?
હવે આપણે તેની કિંમત અને રોકાણની સલામતી વિશે વાત કરીએ. આમાં રોકાણની સલામતીની કોઈ ગેરેંટી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં, આપણે બધાએ તે આપણી આંખો સામે તે થતા જોયું છે. જ્યાં થોડા દિવસો પહેલા ભારતીય ચલણમાં બિટકોઇનની કિંમત 50 લાખની નજીક પહોંચી ગઈ હતી અને એલન મસ્કના ટ્વિટ અને ત્યારબાદ ચીનના ઝટકા બાદ તેની કિમંત 28 થી 30 લાખ રૂપિયાની વચ્ચે આવી ગઈ હતી. જો કે 10 વર્ષ પહેલાં 2011 માં, એક બિટકોઇનની કિંમત તે સમય અનુસાર 1 ડોલર એટલે કે આશરે 50 રૂપિયા હતી.