કેરીને ફળોનો રાજા કહેવાય છે અને ઉનાળો આવે એટલે તો કેરીના શોખીનોને તો મોજ જ પડી જાય છે. લોકો ઉનાળામાં પેટભરીને કેરીની મજા લે છે. પણ શું તમે જાણો છો કે આ કેરી જલદી પકવવા માટે વેપારીઓ કેવા કેવા પ્રકારના નુકસાનકારક કેમિકલ વાપરે છે? તો ચાલો જાણીએ વિગતવાર.
વેપારીઓ દ્વારા ઝડપથી કેરી પકવવા માટે મોટાભાગે કાર્બાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારનું કેમિકલ છે અને તે તમારા આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે તેથી આ કેમિકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એટલા માટે જ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન માર્કેટમાંથી વેપારી પાસેથી જો કાર્બાઈટથી પકવેલી કેરી પકડાય તો તે કેરીનો નાશ કરવામાં આવે છે. જેથી લોકોના આરોગ્યને નુકસાન થતું અટકાવી શકાય.
એક રિપોર્ટ અનુસાર, આજે પણ કેટલાક વેપારીઓ કેરી ઝડપથી પકવવા માટે કાર્બાઈટ જેવા નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કરી કેરીનું વેચાણ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. વેપારીઓને જાણ હોવા છતાં પણ તેઓ કાર્બાઈટથી કેરી ઝડપથી પકવી તેનું વેચાણ કરતા ખચકાતા નથી.
કાર્બાઈટથી પકાવવામાં આવતી કેરીના કારણે થતા નુકસાન વિશે જણાવતા ડૉક્ટરો કહે છે કે, કેરી ઝડપથી પકવવા માટે કેમિકલ વાપરવામાં આવે ત્યારે કેરી સાથે કેમિકલ રિએક્શન કરે છે અને તેની અંદર અમુક ગેસ પ્રોડ્યુસ થતા હોય છે. આ કાર્બાઈડ યુક્ત કેરી ખાવાથી લાંબાગાળે કેન્સર જેવી જીવલેણ બિમારી પણ થઈ શકે છે. આ કાર્બાઈડ યુક્ત કરી ખાવાના નુકસાનની ઈમિડિએટ ઈફેક્ટની વાત કરવામાં આવે તો તેનાથી સ્કીનની એલર્જી થઈ શકે છે. તડકામાં જઈએ તો બળતરા થઈ શકે છે. શરીરમાં ખંજવાળ આવી શકે છે. ક્યારેક પેટમાં દુઃખાવો થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની ફરિયાદ જેવા લક્ષણો પણ આવી કેમિકલ યુક્ત કેરીના કારણે આવી શકે છે.