અમદાવાદમાં આવેલા આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવરની સામે આવેલા ઝૂંપડામાં અચાનક ભયંકર આગ લાગી ગઈ હતી. ઘડીક વારમાં જ 30થી વધુ ઝૂંપડા આગની ચપેટમાં આવી ગયા હતા અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી.
આ ઘટનામાં 15 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે જ્યારે 30 જેટલા ઝૂંપડાને નુકસાન થવાના આહેવાલ પ્રાપ્ત થયા છે. શરૂઆતમાં ઝૂંપડાંમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી ગઈ છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.