કોવિડના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં નિર્ણય લેતા ધોરણ 10ની SSCની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ધોરણ 10ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ સરકાર ધોરણ 12ની HSC બોર્ડની પરીક્ષાઓ યોજવી કે નહીં તે સંદર્ભે વિચાર-વિમર્શ કરી રહી હતી ત્યારે આજરોજ એક બેઠકમાં સર્વાનુમતે ધોરણ 12ની પરીક્ષાઓને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો સરકારે નિર્ણય લીધો છે અને કોવિડ પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.
HSCની ધોરણ 12ની પરીક્ષાને લઈને CM રૂપાણીએ મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ પરીક્ષા લેવાશે. માસ પ્રોમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. જેથી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં ધોરણ- 10માં 8.53 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ તમામને માસ પ્રમોશન મળતા લાંબા સમયથી પરીક્ષા સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને ગતવર્ષે ધોરણ-9માં પણ માસ પ્રમોશન મળ્યુ હતુ. કોર ગ્રુપના નિર્ણય સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, આ વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી નથી.
રાજ્યમાં પહેલાથી જ ધોરણ-1થી 7 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હવે તેમાં ધોરણ-10નો પણ સમાવેશ કરાયો હતો. CM હાઉસમાં મળેલી કોરગ્રુપની બેઠકમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત આરોગ્ય, શિક્ષણ વિભાગના સેક્રેટરીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.