રામનવમીનો તહેવાર ભગવાન શ્રી વિષ્ણુના અવતારના રૂપમાં માનવ તરીકે જન્મ લેવાવાળા ભગવાન શ્રી રામને સમર્પિત છે. અગ્સ્ત્યસંહિતા અનુસાર ચૈત્ર શુક્લ પક્ષની નવમીના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં કર્કલગ્નમાં જ્યારે સૂર્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિ સાથે મેષ રાશિમાં હતો, ત્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભારતીય સંસ્કૃતિમાં રામને સદાચારના આદર્શ અને મર્યાદા પુરુષોત્તમ મનાય છે. કહેવાય છે કે તેમના સમયમાં પ્રજા દરપ્રકારે સુખી હતી. રામનું શાસન એટલે કે રામરાજ્ય શાંતિ અને સમૃદ્ધિના પર્યાય સમાન છે.
રામનવમીના દિવસે મંદિર, મકાન પર ધ્વજા, પતાકા અને તોરણ વગેરેથી ખાસ સજાવવામાં આવે છે. આ તહેવારના દિવસે કળશ સ્થાપના અને શ્રી રામની અને રામજીના પરિવારની પૂજા કરવી જોઈએ. રામનવમીના દિવસે રામ ભજન, રામ સ્મરણ અને સ્ત્રોતપાઠ કરવું જોઈએ. તેમજ આ દિવસે દાન, પુણ્ય, હવન પણ કરવું જોઈએ. રામનવમીની પૂજા માટે કંકુ, ચોખા, પાણી, પીળા ફૂલ, તુલસીના પાન, મિષ્ટાન્ન, ઘંટ અને શંખ વગેરે જેવી સામગ્રી જરૂરી છે.
રામનવમીને ખૂબ જ પુણ્ય પર્વ માનવમાં આવે છે. આ દિવસે સરયુ નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે રામનવમી પર્વના પાવન દિવસે જ ગોસ્વામી તુલસીદાસે રામચરિતમાનસની રચનાનો શુભારંભ કાર્યો હતો. રામચરિતમાનસની રચના અવધી ભાષામાં કરાઈ હતી.