જો તમે પણ મિત્રો સાથે, ઓફિસની બહાર અથવા બાલ્કનીમાં ઊભા રહીને વારંવાર સિગારેટ પીવાના શોખીન છો, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની આ ચેતવણી કાળજીપૂર્વક વાંચો. ક્યાંક તમારો શોખ તમારા જીવન માટે ભારે ન પડી જાય.
છેલ્લા એક વર્ષમાં, કોરોના મહામારી એટલી બધી વધી ગઈ છે કે આ રોગચાળો હજી કેટલા દિવસો ચાલુ રહેશે તે પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ રોગચાળાની બીજી વેવ અને ઓક્સિજનના અભાવે ફેફસાના સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત વિશે ઘણું સમજાવી દીધું છે. WHO અનુસાર, ધૂમ્રપાન કરી ફેફસાને નુકશાન પહોંચાડતા લોકોમાં કોવિડનું જોખમ અને તેનાથી મૃત્યુનું જોખમ 50% જેટલું વધારે છે.
WHOએ જણાવ્યું ધૂમ્રપાન છોડી દેવામાં જ છે ભલાઈ
WHOના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસે 28 મેના રોજ એક પ્રકાશનમાં કહ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓમાં કોરોનાની ગંભીરતા અને તેનાથી મૃત્યુનું જોખમ 50% જેટલું વધુ હોય છે તેથી કોરોના વાયરસના જોખમને ઘટાડવા માટે ધૂમ્રપાન કરવાનું છોડી દેવું સારું છે. ધૂમ્રપાન કરવાથી કેન્સર, હૃદયરોગ અને શ્વાસની બિમારીનું જોખમ પણ વધે છે.
ધૂમ્રપાનને કહો બાયબાય
આ સંદર્ભે, નારાયણા હોસ્પિટલ ગુરુગ્રામના કન્સલ્ટન્ટ અને સર્જન, નેક એન્ડ ઓન્કોલોજી ડોક્ટર, શિલ્પી શર્મા કહે છે, “જે લોકો હાલમાં ધૂમ્રપાન કરે છે તેમણે કોવિડને આ વ્યસન છોડવાના બીજા કારણ તરીકે જોવો જોઈએ. તેમણે કોવિડની ગંભીર બિમારીથી પીડાતા અને ફેફસાંના રોગોથી પીડાતા દર્દીઓ વિશેની માહિતી લઈને તંદુરસ્ત ફેફસાંના મહત્ત્વને સમજવું જોઈએ અને તેમના પોતાના ફેફસાંને આ ધીમા ઝેરથી બચાવવાનું પ્રણ લેવું જોઈએ.”
એક્શન કેન્સર હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, હેડ અને નેક, બ્રેસ્ટ એન્ડ થોરૈસિક ઓન્કો સર્જરી યુનિટ ડોક્ટર રાજેશ જૈનના જણાવ્યા અનુસાર, “કોવિડ અથવા ફેફસાં સંબંધિત કોઈ પણ ચેપના સંદર્ભમાં સૌ પ્રથમ એ સમજવું કે જેટલા ફેફસાં તંદુરસ્ત હશે સંક્રમણ બાદ તે વ્યક્તિની સારા થવાની ક્ષમતા પણ એટલી જ વધારે હશે. તેવામાં સ્પષ્ટ છે કે ધૂમ્રપાન કરનારના ફેફસાં તુલનાત્મક રીતે નબળા હોય તો કોવિડ ઇન્ફેક્શન પછી ગંભીર ન્યુમોનિયા થવાનું જોખમ વધારે રહેલું છે.”
પોતાને ધીમે ધીમે તૈયાર કરો અને પછી છોડો વ્યસન:
મનોચિકિત્સા વિભાગના ડો. સોનાક્ષી કહે છે કે કોઈ પણ લત છોડવા માટે પ્રથમ પગલું પોતાને માનસિક રીતે તૈયાર કરવું છે. આ ખરાબ વ્યસન છોડવાની ઇચ્છા રાખનારાઓને તેમણે કેટલાક નાના નાના ઉપાય આપ્યા છે. તેમના કહેવા પ્રમાણે, “એક સમયે ફક્ત એક જ સિગરેટ ખરીદો, એક સમયે આખી સિગારેટ પીવાને બદલે અડધી પીને બાકીની છોડી દેવાની આદત બનાવો, તેને છોડી દેવાની કોઈ એક તારીખ નક્કી કરો અથવા અઠવાડિયામાં એક દિવસમાં ન પીવાની પ્રતિજ્ઞા લો. શરૂઆતમાં એક દિવસ અને પછી ધીમે ધીમે એકથી બે દિવસ અને પછી બેથી ત્રણ દિવસ એમ દિવસ વધારતા જાઓ. આ ઉપાયો ઉપરાંત, નિકોટિન ચ્યુઇંગ-ગમ ચાવવાથી તમાકુની લત નિયંત્રણ કરવામાં પણ મદદ મળી શકે છે.