આજે હનુમાન જયંતી છે તેની સાથે જ તેમનો મનપસંદ વાર પણ છે, તેથી જ આજનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા અને મનોકામનાની પૂર્તિ માટે ખૂબ જ શુભ છે. આજના દિવસે જો કોઈ ભક્ત હનુમાનજીને સિંદૂર અપર્ણ કરે છે તો તેનાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે અને તેની બધી મનોકામનાની પૂર્તિ કરે છે.
મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવામાં આવે છે, તો ચાલો જાણીએ કે કેમ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવામાં આવે છે?
રામાયણની એક પ્રસિદ્ધ કથા:
એક વાર હનુમાનજીએ માતા સીતાની માંગમાં સિંદૂર જોઈને આશ્ચર્યપૂર્વક માતા સીતાને પૂછ્યું “માતા, તમે આ લાલ દ્રવ્ય મસ્તક પર કેમ લગાવ્યું છે?” ત્યારે બ્રહ્મચારી હનુમાનજીની આ સીધી સાદી વાતથી પ્રસન્ન થઈને માતા સીતાએ જવાબ આપતા કહ્યું “પુત્ર, આ લગાવવાથી મારા સ્વામીની આયુ દીર્ઘ થાય છે અને તેઓ મારા પર પ્રસન્ન રહે છે.” આ સાંભળીને હનુમાનજી ખૂબ પ્રસન્ન થયા અને વિચાર્યું કે જો માત્ર ચપટી સિંદૂર લગાવવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે તો કેમ નહિ હું મારા આખા શરીર પર સિંદૂરનો લેપ કરી મારા સ્વામીને અમર કરી દઉં અને તેમણે એમ જ કર્યું. આખા શરીર પર સિંદૂરનો લેપ લગાવ્યા પછી હનુમાનજી શ્રી રામ પાસે ગયા તો ભગવાન શ્રી રામ તેમને જોઈ હસ્યા અને પ્રસન્ન પણ થયા. તેથી હનુમાનજીને માતા સીતાના વચન પર અધિક વિશ્વાસ થઈ ગયો. કહેવાય છે આ પ્રસંગ પછીથી ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીની અનન્ય સ્વામી ભક્તિના સ્મરણમાં તેમના શરીર પર સિંદૂરનો લેપ લગાડાય છે.
જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે માંગમાં સિંદૂર લગાવે છે તેવી જ રીતે હનુમાનજી પણ પોતાના સ્વામી ભગવાન શ્રી રામ માટે આખા શરીરે સિંદૂર લગાવે છે. તેથી જ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અને તેલ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે.
હનુમાનજીને સિંદૂર ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરવો:
હનુમાનજીની પ્રતિમા પર સિંદૂર ચડાવતા પહેલાં તેમની પ્રતિમાને પાણીથી સ્નાન કરવો અને ત્યાર બાદ બધી પૂજા સામગ્રી તેમને અર્પણ કરો. ત્યાર પછી મંત્રનું ઉચ્ચારણ કરતા ચમેલીના તેલમાં સિંદૂર મેળવીને પ્રતિમા પર સિંદૂરનો લેપ લગાવવો જોઈએ.
મંત્ર:
सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये।
भक्तयां दत्तं मया देव सिन्दूरं प्रतिगृह्यताम।।