ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રેસ એવી છે જેણે પોતાના કરિયરની શરૂઆત એકદમ શાનદાર રીતે કરી છે પંરતુ પાછળથી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાંથી તે ગાયબ થઈ ગઈ. બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદીની ગણતરી પણ એવી જ એક એક્ટ્રેસ તરીકે કરવામાં આવે છે. પૂજાએ પોતાના કરિયરની શરૂઆતમાં હીટ ફિલ્મ આપી પરંતુ પાછળથી તે પોતાને સાબિત ન કરી શકી. 11 મેના દિવસે પૂજા બેદી 50મી બર્થ ડે સેલિબ્રેટ કરશે. પૂજા ફેમસ એક્ટર કબીર બેદીની દીકરી છે. પૂજાએ વર્ષ 1992માં આમીરખાન સાથે ‘જો જીતા વહી સિકંદર’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહીટ રહી હતી અને પૂજા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જો કે પૂજા માટે આ પ્રથમ વખત નહીં હતું કે તે ચર્ચામાં આવી હોય.
પૂજા બેદી આ અગાઉ વર્ષ 1991માં ખૂબ ચર્ચામાં રહી હતી. 90ના દાયકાની શરૂઆતમાં પૂજા બેદીનું ચર્ચામાં રહેવાનું કારણ હતું તેનો બોલ્ડ અવતાર. પૂજાએ કોન્ડમની એડમાં કામ કર્યું હતું અને તે પ્રથમ વખત હતું જ્યારે કોઈ એક્ટ્રેસ કોન્ડમ એડમાં નજર આવી હતી.
વાસ્તવમાં ભારતમાં પ્રથમ વખત કોઈ પ્રાઈવેટ કંપની કોન્ડમ બનાવી રહી હતી અને કંપનીએ માર્કેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે તેમણે પૂજાને પસંદ કરી હતી. કોન્ડમનું નામ હતું કામસૂત્ર. કામસૂત્રની એડમાં પૂજા બેદી ખૂબ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી. તે દરમિયાન પૂજાના બોલ્ડ એડ માટે તેણે વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.
એડ ગુરુ અલિક પદમસીએ પૂજા બેદીની આ એડ બનાવી હતી. એક ઇન્ટર્વ્યૂમાં અલિકે જણાવ્યું હતું કે ‘ભારતમાં આવું પ્રથમ વખત થયું કે કોઈ કંપની કોન્ડમ બનાવવા જઈ રહી છે. કારણ કે આ અગાઉ ભારતમાં માત્ર સરકાર દ્વારા નિર્મિત નિરોધ જ હતા. ત્યારે ભારતમાં કામસૂત્ર જેવું પ્રીમિયમ કોન્ડમ એન્ટ્રી કરી રહ્યું હતું.’ તેમણે આગળ જણાવતા કહ્યું કે ‘રેમન્ડ્સના માલિક ગૌતમ સિંઘાનિયા મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે મારા પિતા કોન્ડમ પ્રોડક્શન કરવા માગે છે. તેમાં અમને તમારી મદદ જોઈએ છે. કોન્ડમને લઈને ચર્ચા શરૂ થઈ અને તેનું નામ બહાર આવ્યું કામસૂત્ર.’
કામસૂત્રની આ એડમાં પૂજા બેદી સાથે મોડલ માર્ક રોબિનસન નજર આવ્યો હતો. માર્ક રોબિનસનને પસંદ કરવા પાછળનું કારણ તેનું ફિઝીક હતું અને તે તેમાં બિલકુલ ફીટ હતો. એડ બની ગઈ પરંતુ જ્યારે તે ઓન-એર કરવા માટે દૂરદર્શન પાસે ગયા તો તેમણે તેને ચલાવવા માટે ઇનકાર કરી દીધો.
દૂરદર્શનએ કહ્યું હતું કે આ એડ ખૂબ બોલ્ડ છે અને તેને ચલાવવાથી નાની ઉંમરના દર્શકો પર વિપરીત અસર પડશે. ઘણી કોશિશો પછી પણ દૂરદર્શન પર આ એડ ચલાવી શક્યા ન હતા. જોકે આ સમયગાળા દરમિયાન પ્રાઈવેટ ચેનલોની એન્ટ્રી થઈ રહી હતી. તેથી પછી પ્રાઈવેટ ચેનલ પર આ એડ ખૂબ ચાલી હતી.