PNB કૌભાંડ કેસ: આરોપી મેહુલ ચોકસી હવે એન્ટીગુઆથી પણ ગાયબ

પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સીના ગાયબ થયાના અહેવાલ છે. ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડામાંથી ગાયબ થઈ ગયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

સ્થાનિક મીડિયા માધ્યમ “એન્ટીગાન્યૂઝરૂમ” એ જણાવ્યું કે ‘પોલીસ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના ઠેકાણાની શોધ કરી રહી છે. જેના ગાયબ થવાની ‘અફવા’ છે.’ 2018માં ભારતથી ફરાર થયા પછી મેહુલ ચોક્સી કેરેબિયન દેશ એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતો હતો.
એન્ટીગુઆ પોલીસે ભાગેડુ ઉદ્યોગપતિ અને આરોપી મેહુલ ચોક્સીના ગાયબ હોવાનો કેસ નોંધ્યો છે. મેહુલ ચોકસીને છેલ્લીવાર રવિવારે (23 મે) સાંજે 5.15 વાગ્યે પોતાના ધરેથી પોતાની કારમાં નીકળતો જોવામાં આવ્યો હતો. એન્ટીગુઆના જ્હોનસન પોઇન્ટ પોલીસ મથકે કેસ નોંધ્યો છે. પોલીસે લોકોને ચોકસી વિશે કોઈ માહિતી હોય તો તો તેની જાણકારી આપવા અંગે કહ્યું છે.

ક્યૂબા ભાગી જવાની સંભાવના

આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોકસી એન્ટીગુઆથી ભાગી ગયો છે અને હવે તે ક્યૂબામાં રહી રહ્યો છે જ્યાં તેનું પોતાનું ઘર છે. મેહુલના સહયોગીના હવાલાથી સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેહુલ ચોકસી દેશ છોડી ચૂક્યો છે અને સંભવ છે કે ક્યૂબામાં પોતાના આલીશાન ઘરમાં રહી રહ્યો છે. એવા ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે ચોકસીએ એટલા માટે એન્ટીગુઆ છોડી દીધું કારણ કે ભારત સરકાર એન્ટીગુઆના અધિકારીઓ પર તેની નાગરિકતા રદ કરવા માટે દબાવ બનાવી રહી હતી. મેહુલના સહયોગીના હવાલાથી સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર મેહુલ ચોકસી પાસે બીજા કેરેબિયન દેશોની નાગરિકતા છે.

ગાડી મળી પરંતુ ચોકસી હતો ગાયબ

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેરેબિયન દ્વીપના દેશ એન્ટીગુઆ અને બાર્બુડની નાગરિકતા લેનાર ચોકસીને ટાપુના દક્ષિણ વિસ્તારમાં ડ્રાઇવિંગ કરતા જોવામાં આવ્યો હતો. ત્યારબાદમાં તેની કાર મળી, પરંતુ ચોક્સીનો કોઈ પત્તો મળ્યો ન હતો. અહેવાલ અંગે તેમના વકીલને મોકલાયેલા સવાલનો કોઈ જવાબ મળ્યો નથી. મેહુલ ચોકસી અને નીરવ મોદી સરકારી પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની હેરાફેરી કરવાના કેસમાં વોન્ટેડ છે. નીરવ મોદી ઘણી વાર જામીન અરજી રદ થયા બાદ લંડનની જેલમાં છે અને ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ પોતાના પ્રયાસ કરી રહ્યો છે. ચોકસીએ જાન્યુઆરી 2018ના પ્રથમ અઠવાડિયામાં ભારતથી ભાગવા પહેલા 2017માં જ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિકતા લઈ લીધી હતી. પછી આ કૌભાંડ સામે આવ્યું. આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નાગરિકતા લઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *