માત્ર એક જ વસ્તુના અભાવે દેશના આ વિસ્તારમાં પેટ્રોલ છે સૌથી મોંઘું

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશમાં સૌથી મોંઘો છે. અહીં 1 જૂને પેટ્રોલની છૂટક કિંમત પ્રતિ લિટર 105.52 રૂપિયા અને ડીઝલની કિંમત 98.32 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. આનું મુખ્ય કારણ ટેક્સના દરો તેમજ પરિવહન ખર્ચ છે. ભારત-પાકિસ્તાન સરહદ નજીક શ્રીગંગાનગરમાં વધુ સારી માઇલેજનો દાવો કરતા પ્રીમિયમ ઇંધણની કિંમત તો ઘણી વધારે છે. અહીં ફેબ્રુઆરીના મધ્યમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી ગયો હતો. ડીઝલના ભાવ પણ તે જ સમયથી લિટર દીઠ 90 રૂપિયાની ઉપર છે.

જયપુર કરતાં પેટ્રોલની કિંમત આશરે ચાર રૂપિયા વધારે છે.

એક જાણીતા મીડિયાના સમાચાર મુજબ રાજસ્થાન એવા રાજ્યોમાં શામેલ છે કે જે વાહનના ઇંધણ પર સૌથી વધુ ડ્યૂટી વસૂલ કરે છે, પરંતુ શ્રીગંગાનગરમાં કિંમત હજી પણ વધુ હોવાનું કારણ પેટ્રોલ અને ડીઝલનો પરિવહન ખર્ચ છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 1 જૂનના રોજ પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 101.02 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 94.19 રૂપિયા હતી. શ્રીગંગાનગરની તુલનામાં ત્યાં પેટ્રોલ 4.45 રૂપિયા અને ડીઝલ 4.38 રૂપિયા સસ્તુ છે.

અગાઉ 60 કિલોમીટર દૂર હનુમાનગઢમાં ઇંધણના ડેપો હતા પરંતુ તે બંધ કરવામાં આવ્યા

શ્રીગંગાનગરના ધારાસભ્ય રાજ ​​કુમાર ગૌડ વર્ષ 2008થી જ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. ગૌડે મીડિયાને જણાવ્યું હતું કે અગાઉ 60 કિલોમીટર દૂર હનુમાનગઢમાં ઇંધણના ડેપો હતા. પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યા. આનાથી આ વિસ્તારના રહેવાસીઓ માટે ઇંધણની કિંમત ખૂબ વધી ગઈ. નોંધનીય છે કે આશરે 15 વર્ષ પહેલા હનુમાનગઢમાં ત્રણ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની- ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ઇંધણ ડેપો હતા, જ્યાંથી શ્રીગંગાનગર અને બિકાનેરમાં ઇંધણ પહોંચતું હતું.

ઓઇલ કંપનીઓનો દાવો – સુરક્ષા કારણોસર ડેપો બંધ કરાયા

રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ સુનીત બગઇના જણાવ્યા અનુસાર ઓછા વેચાણને કારણે આ ડેપો બંધ કરાયા હતા. જો કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર તેમને બંધ કરાયા હતા. બગઇએ કહ્યું કે, ત્યાં પેપર ડેપો સ્થાપવા અને 90 કિમી દૂર આવેલી ભટીંડા રિફાઇનરીમાંથી તેલ લાવવાની વિનંતી કરવામાં આવી રહી છે, પરંતુ સરહદીય પેટ્રોલ પમ્પ પર ઇંધણની ઓછી ડિમાન્ડના કારણે કંપનીઓ તેમાં રસ લઈ રહી નથી. પેપર ડેપો દ્વારા કોઈ ઓઈલ કંપની પોતાનું ઇંધણ બીજી કંપનીના ડેપોમાં રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *