WHOના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યાના મતે બાળકોને બચાવવામાં ગેમચેન્જર સાબિત થશે આ મેડ ઈન ઈન્ડિયા વેક્સીન

ભારતમાં હાલના દિવસોમાં કોરોનાની બીજી લહેરે જે કહેર મચાવ્યો છે તે દરમિયાન ત્રીજી લહેરની પણ આશંકા સેવાઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની આગામી લહેર બાળકોને પણ નિશાન બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં વિશ્વભરમાં 12 વર્ષથી ઓછી વયના બાળકોને કોરોનાની રસી નથી આપવામાં આવી રહી. ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને રસી નથી આપવામાં આવી રહી. આ દરમિયાન, WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે કોરોનાની નેઝલ વેક્સીન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રકારની રસી નાક મારફતે આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે ઇન્જેક્ટેડ રસી કરતા વધુ અસરકારક છે અને સાથે જ તેને લેવાનું પણ સરળ છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સૌમ્યા સ્વામિનાથે કહ્યું કે વધુને વધુ શાળાના શિક્ષકોને રસી આપવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે બાળકોને ત્યારે જ શાળામાં મોકલવા જોઈએ જ્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ ઓછું થાય. સ્વામિનાથને વધુમાં કહ્યું કે, ‘ભારતમાં બનતી નેઝલ વેક્સીન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વેક્સીન બાળકોને આપવામાં પણ સરળ રહેશે. સાથે જ તે રેસ્પીરેટરી ટ્રેકમાં ઇમ્યૂનિટી વધારશે.’

બાળકોમાં ઓછુ જોખમ

કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે બાળકો ચેપથી સુરક્ષિત નથી પરંતુ એમ પણ કહ્યું હતું કે હાલમાં વાયરસની અસર બાળકો પર ઓછી થઈ રહી છે. વિશ્વ અને દેશના આંકડા પર નજર નાંખીએ તો માત્ર 3-4 ટકા બાળકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય વી.કે. પોલએ કહ્યું, ‘જો બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો ક્યાં તો કોઈ લક્ષણ નહીં હશે અથવા ઓછામાં ઓછા લક્ષણ હશે. તેમને સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. પરંતુ આપણે 10-12 વર્ષના બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.’

ભારત બાયોટેક કરી રહી છે ટ્રાયલ

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સીનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ રસી દ્વારા નાક મારફતે ડોઝ આપવામાં આવશે, જે કોરોનાને માત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. કંપની અનુસાર, નેઝલ સ્પ્રેના માત્ર 4 ટીપાંની જરૂર પડશે. નાકના બંને છિદ્રોમાં બે-બે ટીપાં મૂકવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી અનુસાર, 175 લોકોને નેઝલ વેક્સીન આપવામાં આવી છે. તેઓને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ અને બીજા જૂથમાં 70 વોલન્ટીયર રાખવામાં આવ્યા છે અને ત્રીજા જૂથમાં 35 વોલન્ટીયર રાખવામાં આવ્યા છે. ટ્રાયલના પરિણામ હજી આવવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *