અહીં નાગરિકોને પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે વિનામૂલ્યે ફોન ચાર્જની અનોખી સેવા

તૌકતે વાવાઝોડાની ઘાતક અસરને પગલે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક વીજપોલ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં વીજપુરવઠો ખોરવાતા લોકોને ફોન ચાર્જ કરવાની સમસ્યા ઉભી થઇ હતી. આવી પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોન ચાર્જ કરવાની અનોખી સેવા શરૂ કરવામાં આવી છે.

આ અંગે વાત કરતા પોલીસ ઇન્સ્પેકટર ઝાલા જણાવે છે કે તૌકતે વાવાઝોડાની પાછલી અસર સ્વરૂપે વીજળીના અભાવે ઘણા ગામડાઓમાં વીજપુરવઠો અને પાણી પુરવઠો ખોરવાયો છે.‌ તાજેતરમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની મુલાકાત દરમિયાન આ સમસ્યાઓ ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક અસરથી ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતેથી ડીજીસેટ ફાળવ્યું હતું જેની મદદથી આજે લોકોને વિનામૂલ્યે ફોન ચાર્જની સેવા આપી રહ્યા છીએ. એક સાથે 20થી વધુ ફોન ચાર્જ થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ આ સેવાનો રાજુલાના શહેરીજનો મોટાપ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.

રાજુલાના રહેવાસી સત્યજીતભાઈ જણાવે છે કે રાજુલા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વીજપુરવઠો ખોરવાતા મોબાઈલ ફોન ચાર્જ ન કરી શકવાના લીધે કોઈનો સંપર્ક થઇ શકે તેવી પરિસ્થિતિ જ ન હતી. પરંતુ રાજુલા પોલીસ દ્વારા આ વ્યવસ્થા ઉભી કરતા બહારગામ રહેતા અમારા કુટુંબીજનો સાથે ફરી સંપર્ક સાધી શક્યા છીએ. રાજુલા પોલીસની આ સેવા ખરા અર્થમાં પ્રશંશનીય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *