વિશ્વ મધમાખી દિવસ: ખેડૂતો ખેતીની સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે

20મી મે એટલે કે વિશ્વ મધમાખી દિવસ. માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે ચેતવણી આપવા માટે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ઇકોલોજીકલ સિસ્ટમમાં મધમાખીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃત કરવાનો છે. ‘વિશ્વ મધમાખી દિવસ’ની ઉજવણી નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા જિલ્લાના ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે મધમાખીના મહત્ત્વના વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મધમાખી પાલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વ્યક્તા ડો.એસ.એમ.ચવાન, સહ સંશોધન વૈજ્ઞાનિક પરિયાએ મધમાખીની વિવિધ જાત અને સુરત જિલ્લામાં કઈ-કઈ જાતને વ્યવસાય તરીકે વિકસાવી શકાય તેમજ મધમાખીની ખેતીમાં થતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જે. એચ. રાઠોડે જણાવ્યું હતું કે, સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનને લગતી વિવિધ પ્રકારની તાલીમો પૂરી પાડવામાં આવે છે. ઉત્તમ મધની દેશવિદેશમાં માંગ હોવાથી ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી પાલનને પણ પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે એમ જણાવી તેમણે કેન્દ્રની વિવિધ કૃષિલક્ષી પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. હાલમાં દક્ષિણ ગુજરાતમાં 90થી વધુ ખેડુતો મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક(પાક સંરક્ષણ) ડો.એસ.કે.ચાવડાએ મધમાખી પાલનના મહત્વ અંગે ઉપયોગી જાણકારી આપી હતી. તેમજ ડો.આર.કે.પટેલ વૈજ્ઞાનિક (વિસ્તરણ) મધમાખી પાલન વખતે ખેડૂતોએ શું-શું કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *