જેને કામ જ કરવું છે એ ક્યારેય જોતા નથી કે ક્યાંથી કામ આવ્યું? કોણે કહ્યું?’ અમદાવાદ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ સોશિયલ મીડિયા પર ટ્વીટરના માધ્યમથી મળેલી માહિતીના આધારે એક નિરાધારવૃદ્ધ જનને સહારો પૂરો પાડવાના આદેશ આપ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ એ અશક્ત-લાચાર વ્યક્તિને આશ્રય મળ્યો હતો.
વાત કંઈક આમ છે. અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાને 18 મેના રોજ ટ્વીટર પર જાણકારી મળી કે અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ-નિરાધાર-દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર પરિસ્થિતીમાં પીડાઈ રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે ન કરી શકનાર એ વૃદ્ધજન એક જગ્યાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સબડી રહ્યા હતા. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વૃદ્ધજનને મદદ કરવા ટ્વીટ કર્યું. ગણતરીની ક્ષણોમાં હર્ષદ વોરાએ ટ્વીટ કરી એવૃદ્ધજનનું લોકેશન માંગ્યું. તરત જ લોકેશન મળ્યું. સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃદ્ધજનનું નામ ઠામ પણ મળ્યું. ભરતભાઈ સાંકળચંદ રાવળ, ઉ.વ 72 અને સરનામુ મળતા જ હર્ષદ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના કરી. ટીમ તરત જ સ્થળ પર પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા. ન કોઈ સાથ ન કોઈ સંગાથ. કુદરતી ક્રિયાઓ ત્યાં જ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતીમાં ભરતભાઈ કણસતા હતા.
ટીમે સત્વરે હર્ષદ વોરાને પરિસ્થિતીથી માહિતગાર કર્યા અને વોરાએ તેમને તરત જ ઓઢવ જિલ્લા આશ્રય ગૃહમાં લઈ જવા સૂચના આપી. હાલ ભરતભાઈ આશ્રય ગૃહમાં આશરો લઈ રહ્યા છે. ત્યાં તેમની નિયમિત સારવાર અને સાર સંભાળ લેવાઈ રહ્યા છે. હર્ષદ વોરા કહે છે કે, ‘બેશક સોશિયલ મીડિયાનો સરકારી કામગીરીમાં ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. એમાં મળેલી માહિતીને સંવેદના સાથે જાણીએ અને તેને આધારે પગલા લઈએ તો તેના હકારાત્મક પરિણામો મળે જ છે. ભરતભાઈ માટે સત્વરે કરાયેલી કામગીરી એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે અને સાથે સાથે આપણામાં રહેલી સંવેદનાનું પ્રતિક પણ છે.’ એમ તેમણે ઉમેર્યું હતું.