ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન કિરણ મોરેએ એમએસ ધોનીની ભારતીય ટીમમાં જોડાવાની વાત વર્ણવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતા પહેલા ધોનીએ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ છતાં, ધોનીને ભારતીય ટીમ સાથે જોડાવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. પૂર્વ મુખ્ય પસંદગીકાર કિરણ મોરેએ દાવો કર્યો છે કે તેમણે ધોનીને શોધ્યો હતો. ઉપરાંત, ધોનીને ટીમમાં શામેલ કરવા માટે 10 દિવસ સુધી મોરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને માનવતો રહ્યો.
દ્રવિડ ટીમ ઈન્ડિયામાં વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યો હતો
મોરે જણાવ્યું હતું કે તે સમયે અમે વિકેટકીપરની શોધમાં હતા જે આક્રમક રીતે બેટિંગ કરી શકે અને રાહુલ દ્રવિડની જગ્યા લઈ શકે અને અમારી શોધ ધોની પર જઈને સમાપ્ત થઈ. તમને જણાવી દઈએ કે વર્ષ 2001 માં ભારત તરફથી દીપ દાસગુપ્તા, વર્ષ 2002 માં અજય રાત્રા, 2003 માં પાર્થિવ પટેલ અને 2004 માં દિનેશ કાર્તિકે વિકેટકીપર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જો કે, તેમાંથી કોઈ પણ ટીમમાં કાયમી સ્થાન મેળવી શક્યું નથી. રાહુલ દ્રવિડ વનડેમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યો હતો. દ્રવિડ 2003 ના વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે રમ્યો હતો.
મોરેએ કહ્યું કે, “તે સમયે અમે એક પાવર હિટરની શોધમાં હતા, જે 6 કે 7 નંબર પર આવી શકે અને ઝડપથી 40-50 રન નોંધાવી શકે. રાહુલ દ્રવિડ વિકેટકીપર હતો અને વિકેટકીપર તરીકે 75 મેચ રમ્યો હતો. તેથી અમે એક વિકેટકીપરની શોધમાં હતા.”
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ધોનીએ રમી હતી શાનદાર ઇનિંગ
વર્ષ 2004 માં, દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચ નોર્થ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચે રમાઈ હતી. ઇસ્ટ ઝોન તરફથી દીપદાસ ગુપ્તા નિયમિત વિકેટકીપર હતો. મોરેએ જણાવ્યું, “મારા સાથીદારએ પહેલા ધોનીની બેટિંગ જોઇ હતી. ત્યારબાદ મેં તેની બેટિંગ જોઈ. ધોનીએ તે મેચમાં 170 માંથી 130 રન બનાવ્યા હતા. અમે ઈચ્છતા હતા કે ધોની ફાઇનલમાં વિકેટકીપર તરીકે રમે. પછી ગાંગુલી અને દીપદાસ ગુપ્તા સાથે મારી ખૂબ દલીલ પણ થઈ. ત્યારબાદ દીપદાસ ગુપ્તાને ફાઈનલમાં વિકેટકીપિંગ ન કરાવવા અને ધોનીને કીપિંગ કરવા દેવા માટે મને સૌરવ અને સિલેક્ટર્સને રાજી કરવા માટે 10 દિવસ લાગ્યાં હતાં.” ધોનીએ દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ઓપનિંગ કરી હતી. ધોનીએ પ્રથમ ઇનિંગમાં 21 રન અને બીજી ઇનિંગમાં માત્ર 47 બોલમાં 60 રન બનાવ્યા હતા.