સેન્ટ્રલ વિસ્ટાનો મામલો ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સેન્ટ્રલ વિસ્ટાના પુનર્વિકાસની પ્રવૃત્તિઓને રોકવાનો ઇનકાર કરતાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અપીલ એડવોકેટ પ્રદીપ કુમાર યાદવે નોંધાવી છે. રસપ્રદ વાત એ છે કે યાદવ દિલ્હી હાઈકોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં કોઈ પક્ષ ન હતા.
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટનું એમ કહેવું પણ યોગ્ય ન હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના કામદારો પ્રોજેક્ટ સાઇટ પર રહે છે, જ્યારે સરકાર અને એસપીસીપીએલ (પ્રોજેક્ટ નિર્માણ કરનારી કંપની)એ સ્પષ્ટ રીતે તેમના એફિડેવિટમાં કહ્યું હતું કે કામદારો સરાય કાલે ખાંના કેમ્પમાં રહેતા હતા, જે પ્રોજેક્ટ સાઇટ નથી.
સરાય કાલે ખાંથી મજૂરો અને સુપરવાઇઝરો લાવવા અને લઈ જવા માટે મૂવમેન્ટ પાસ પબ્લીશ કરાયો હતો. ગત વર્ષે 20 માર્ચે કેન્દ્ર સરકારે 20,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે જમીનના ઉપયોગમાં ફેરફાર અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મધ્ય દિલ્હીની 86 એકર જમીન સાથે સંબંધિત છે જેમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, કેન્દ્રીય સચિવાલય જેવી ઇમારતો શામેલ છે.
જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે જમીનના ઉપયોગ અને પર્યાવરણીય ધોરણોના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવતા આ પ્રોજેક્ટને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. આ પછી કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં કોરોનાને કારણે બાંધકામની પ્રવૃત્તિઓ પર હંગામી પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ વિસ્ટા આવશ્યક પ્રોજેક્ટ છે, કાર્ય ચાલુ રહેશે: હાઇકોર્ટ
આ અગાઉ સોમવારે દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યને ચાલુ રાખવાની મંજૂરી આપતા કહ્યું હતું કે તે રાષ્ટ્રીય મહત્ત્વનો એક મહત્ત્વપૂર્ણ અને જરૂરી પ્રોજેક્ટ છે. આ સાથે જ કોર્ટે આ પ્રોજેક્ટ વિરુદ્ધ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે કેટલાક હેતુથી પ્રેરિત છે.
કોરોના મહામારી દરમિયાન પ્રોજેક્ટ બંધ કરવાની વિનંતી કરતી આ અરજી નામંજૂર કરતી વખતે ખંડપીઠે અરજદારો પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે તે આ દાવાથી અસંમત છે કે આ પ્રોજેક્ટ આવશ્યક પ્રવૃત્તિ નથી અને તેથી વર્તમાન મહામારી દરમિયાન તેને અટકાવી દેવો જોઈએ.