ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે સંકેત આપ્યો હતો કે, કોરોના મહામારી વચ્ચે ક્રિકેટરોને માનસિક રીતે થકવતા બાયો બબલમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે, તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં, બે જુદા જુદા સ્થળોએ બે ભારતીય ટીમોએ એક સમયમાં રમવું એ સામાન્ય વાત બની જશે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે રવાના થશે. તે જ સમયે બીજા સ્તરની ભારતીય ટીમ જુલાઈમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમવા માટે શ્રીલંકા જશે.
કોહલીએ કહ્યું કે ખેલાડીઓને માત્ર કાર્યભારને મેનેજ કરવા માટે જ નહીં પણ બાયો બબલને કારણે થતા માનસિક થાકમાંથી પણ બહાર નીકળવા માટે વિરામની જરૂર છે. તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હાલના માળખા અને જે પ્રકારના માળખામાં અમે લાંબા સમયથી રમીએ છીએ તેમાં ખેલાડીઓનો જોશ ટકાવી રાખવો અને માનસિક સ્થિરતા મેળવવી મુશ્કેલ છે.’ તેણે કહ્યું, ‘તમે એક જ વિસ્તારમાં કેદ છો અને દરરોજ એક સરખો રૂટિન રહે છે. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં એક જ સમયે બે ટીમોનું વિવિધ સ્થળોએ રમવું સામાન્ય વાત હશે.’ જો બે જુદી જુદી ટીમો રમશે, તો તેનો અર્થ એ કે બંને ટીમમાં બે કેપ્ટન પણ અલગ અલગ હશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાની બે ટીમો ક્યારે જુદા જુદા સ્થળો પર રમશે તે જોવાનું રહ્યું.
માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે – વિરાટ
ભારતીય ટીમને મુંબઈમાં 14 દિવસ અલગ રહેવું પડ્યું અને યુકે પહોંચ્યા પછી પણ તેમને અલગ રહેવું પડશે, જે એટલું અઘરું નહીં હોય. બાયો બબલમાં ટૂર્નામેન્ટ્સ રમવાના પડકારો વિશે વિશ્વભરના ખેલાડીઓએ વાત કરી છે. કોહલીએ કહ્યું કે, ‘કામના ભાર ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનું પાસું પણ મહત્ત્વનું છે.’ તેણે કહ્યું, ‘આજના યુગમાં જ્યારે તમે મેદાનમાં જાઓ છો અને ઓરડામાં પાછા ફરો છો, ત્યારે તમારી પાસે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમે રમતથી દૂર રહી શકો. તમે વોક પર અથવા જમવા અથવા કોફી માટે બહાર જઈ શકો અને કહી શકો કે હું ફ્રેશ થઈ શકું.’ કોહલીએ વધુમાં કહ્યું, ‘આ અગત્યનું ફેક્ટર છે જેને ઇગ્નોર નહીં કરી શકાય. અમે આ ટીમ બનાવવા માટે ઘણી મહેનત કરી છે અને અમે નથી ઇચ્છતા કે માનસિક દબાવના કારણે ખેલાડીઓ પર અસર પડે.’ કોહલીએ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પાસાઓને જોઈને ખેલાડીઓના બ્રેક માગવા બાબતને પણ સમર્થન આપ્યું. તેણે કહ્યું, ‘હંમેશાં એક એવું માધ્યમ હોવું જોઈએ જેના અંતર્ગત ખેલાડી મેનેજમેન્ટને કહી શકે કે તેને બ્રેકની જરૂરત છે. આ મોટો પાસો છે અને મને ખાતરી છે કે મેનેજમેન્ટ તેને સમજે છે.’
બાયો બબલ દરમિયાન પાંચ ટેસ્ટ રમવી એ કોઈ મજાક નથી: શાસ્ત્રી
કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે હાલના શેડ્યુલ અને ક્વોરનટાઈને ખેલાડીઓનું કામ મુશ્કેલ બનાવ્યું છે. તેમણે કહ્યું, ‘વાત ફક્ત વર્લ્ડ ચેમ્પિયનશીપની જ નથી, પરંતુ આવા માહોલમાં છ અઠવાડિયામાં પાંચ ટેસ્ટ રમવી તે મજાક નથી.’ તેમણે કહ્યું, ‘સૌથી યોગ્ય ખેલાડીઓને પણ વિરામની જરૂર પડશે. માનસિક પાસાને અવગણી શકાય નહીં. ‘