બલરામપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કોરોના પીડિતના મૃતદેહને ઘરે લઈ જઈ રહેલા પરિવારજનોએ તુલસીપુર હાઈવે સ્થિત રાપ્તી નદીના સિસાઈ ઘાટ પાર્થ શનિવારે બપોરના સમયે વરસાદ દરમિયાન એક મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે.
ત્યાર બાદ ADM એ.કે.શુક્લાએ CMOને તપાસ સોંપી હતી. CMO ડોક્ટર વી.બી.સિંહે જણાવ્યું હતું કે તપાસ બાદ જાણવા મળ્યું છે કે શોહરતગઢ જિલ્લાના સિદ્ધાર્થ નગર જિલ્લામાં રહેતા પ્રેમનાથ મિશ્રાને 25 મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેમના ભત્રીજા સંજય કુમારે પ્રેમનાથને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન પ્રેમનાથનું 28 મેના રોજ અવસાન થયું હતું. 29 મેની બપોરે પ્રેમનાથનો મૃતદેહ કોરોના પ્રોટોકોલ હેઠળ તેમના ભત્રીજા સંજય કુમારને આપવામાં આવ્યો હતો.
મૃતદેહને ઘરે લઈ જતા સમયે સંજયકુમાર અને તેના સાથીએ ચાલુ વરસાદમાં મૃતદેહને પુલ પરથી રાપ્તી નદીમાં ફેંકી દીધો હતો અને ત્યાં નાસી છૂટ્યો હતો. મૃતદેહ ફેંકી રહ્યા હતા તે દરમિયાન કારમાંથી પસાર થતા કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો માનવ સંવેદનાઓને આઘાત પહોચાડે તેવો છે.
ગામના પોલીસ સ્ટેશનમાં સંજયકુમાર અને તેના એક અજાણ્યા સાથી સામે મહામારી અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ત્યાંના પોલીસ અધિકારી વિદ્યાસાગર વર્માએ જણાવ્યું હતું કે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.
મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.