US અને ચીન પછી, પેટીએમ બેંકએ હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન બંધ કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ બાદ, બેંકએ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન બંધ થવાથી એ રોકાણકારો માટે મોટો ફટકો પડશે જેમણે તેમાં રોકાણ કર્યું છે કારણ કે તેમના નાણાં ક્રિપ્ટો માર્કેટમાં અટવાઇ શકે છે.
જુદા જુદા ક્રિપ્ટો એક્સચેન્જના ડેટા અનુસાર, લગભગ 1.5 કરોડ ભારતીયોએ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 15 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ ઇન્વેસ્ટમેન્ટ વજીર એક્સ, કોઇન સ્વીચ જેવી એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. ગુરુવારે બિટકોઇન 42 હજાર ડોલર પર પહોંચ્યો હતો અને શુક્રવારે તે નીચો ગયો હતો. તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો અને તે 36,876 પર પહોંચી ગયો.
ચીને સંપત્તિની સુરક્ષાનું જોખમ જણાવ્યું
US અને ચીને આ અઠવાડિયામાં તેના પર કડક વલણ અપનાવ્યું છે. ચીને પોતાની બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેમેન્ટ કંપનીઓને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં, રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેડિંગ વિશે ચેતવણી આપી છે. ત્યાંના નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સીના ભાવ આસમાન પર છે જેના પગલે સટ્ટાકીય વ્યાપારમાં વધારો થયો છે. તેનાથી સામાન્ય લોકોની સંપત્તિની સુરક્ષા માટે ગંભીર જોખમ છે.
ચીનના પ્રતિબંધના પગલે બિટકોઇનના ભાવમાં ઘટાડા પછી યુનિસ્વેપ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. વાસ્તવમાં, ચીનને અનુમાન છે કે જો ક્રિપ્ટોકરન્સીનું ચલણ ઝડપથી વધશે, તો તેનાથી શેરબજાર, નાણાકીય સંસ્થાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોને અસર કરશે. તેથી, ચીને તેને રોકવાનો નિર્ણય લીધો છે.
10 હજાર ડોલરથી વધુના રોકાણ અંગે આપવી પડશે માહિતી
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને નિયંત્રિત કરવા માટે, USના નાણા વિભાગ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં 10 હજાર ડોલર ઉપરના રોકાણની જાણકારી ઇન્ટરનલ રેવેન્યૂ સર્વિસને આપવાનું કહેવામાં આવ્યું છે.