એકબાજુ કોવિડ મહામારીના કારણે દેશભરમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના આ મહામારી ત્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે રાજ્ય અને દેશભરના ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ ઉભા પગે મથી રહ્યા છે. આમાંથી કેટલોક નર્સિંગ સ્ટાફ નિવૃત્તિ બાદ પણ માનવજાતને બચાવવા માટે અને દર્દીઓની સેવા માટેની જરૂર જણાતા ફરજ પર પરત ફર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિદુલાબહેન પટેલ, અંજનાબહેન ક્રિશ્ચિયન અને ભારતીબહેન મહેતા સેવામાંથી નિવૃત્તિથયા બાદ કોવિડગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર ફરીવાર હાજર થયા છે. આમ તેમણે માનવ સેવા જ પ્રભુ સેવા છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિદુલાબહેન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તરીકે છેલ્લા 34 વર્ષથી સેવા બજાવતા હતા. 34 વર્ષની સેવા બાદ તેઓ 30 એપ્રિલ 2021ના રોજ સેવા નિવૃત થયા હતા. પરંતુ હાલમાં આવી પહેલા મુશ્કેલ સમયમાં તેમણે પરિસ્થિતિને જાણી સ્વૈચ્છિક રીતે પરત સેવામાં જોડાયા છે. તેઓ 1986માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા અને ત્યારથી અત્યાર સુધી ત્રણ દાયકાની કામગીરી બાદ ફરી ફરજ પર આવી નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેઓ કહે છે કે, “આ મુશ્કેલ સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું’
અંજનાબહેન ક્રિશ્ચિયન સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષની સેવા બાદ નિવૃત થયા હતા પરંતુ પરિસ્થિતિણો તાગ મેળવી તેઓ ફરીથી સેવારત થયા છે. હાલ તેઓ ENT વિભાગમાં કામ કરે છે જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર થાય છે. અંજનાબહેન ક્રિશ્ચિયન કહે છે ‘તેમને દર્દીઓની સેવા કરવામાં જ આનંદ મળે છે.’ અંજના બહેનની અને વિદુલા બહેનની માફક ભરતીબહેન પણ સેવા નિવૃત્તિબાદ ફરી ફરજ પર હાજર થયા છે. તેઓ સિવિલ મેડિસીટીમાં સ્થિત 1200 બેડની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમનું કહેવું છે કે ‘મને આ દર્દીઓની સેવા કરવાનો મોકો મળ્યો તેની મને ખુશી છે.’
ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે CM રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સમગ્ર દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર હશે. કદાચ આવી માનવસેવાની ઉત્તમ ભાવના ધરાવતા નર્સિગ સ્ટાફના કારણે જ ગુજરાતના CMનું આ સ્વપ્ન ઝડપથી સાકાર થશે.