છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓને અને હવે મ્યુકરમાયકોસિસના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપે છે કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા.
મેહુલની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખૂબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમિયાન તેમના પિતાને તેઓ ગીત ગાઈને સંભળાવતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેમણે મેહુલ વિશે વધુ જાણકારી મેળવી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને ચરણસિંહ ગોહિલે તેમને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું.
મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે અને તેઓનું દર્દ ભુલાય જાય.
દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે અને મેહુલ તે પૂરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ છે. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે છે.
મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેમણે સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે છે. તબલામાં 4 વર્ષનો કોર્સ કર્યો છે અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે 3 કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે, તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જ્યારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તે ગાઈ છે.
PPE કીટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અનેહવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ મેહુલ આપી શકે છે.