તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા અમરેલી જિલ્લાના પાણી પુરવઠા તંત્રની સાથે ઘણી સેવાભાવી સંસ્થોઓ આગળ આવી છે. રાજુલા જાફરાબાદ તાલુકાને નોંધપાત્ર નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને સહભાગી થવા રાજુલા પોલીસ દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજુલા પોલીસ ઇન્સ્પેકટર ઝાલા જણાવે છે કે પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી 12 થી વધુ ટેન્કર પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાની ઘાતક અસરને પગલે લોકોને વીજપુરવઠો અને પાણી પુરવઠો ખોરવાતા લોકોને સમસ્યોની સામનો કરવો પડ્યો હતો. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની તાજેતરમાં રાજુલા પંથકની મુલાકાત દરમિયાન આ સમસ્યાઓ તેઓને ધ્યાને આવતા તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરવા સ્થાનિક કચેરીને જાણ કરવામાં આવી હતી. પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી રાજુલાના મફતપરા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી અસરગ્રસ્ત ગામોમાં પાણીનું વિતરણ શરૂ કરાયું છે, જેના થકી ગામલોકોની આંતરડી ઠરી છે અને જનજીવન પૂર્વવત થવાની શરૂઆત થઇ છે. અમરેલી જિલ્લાના 608 ગામોમાંથી 608 ગામોમાં એટલે કે 100% ગામોમાં પાણી પુરવઠો અવિરતપણે હાલ ચાલુ છે. અમરેલી જિલ્લાના 11 તાલુકાઓના કુલ 608 ગામો પૈકી 283 જેટલા ગામોમાં હાલ જૂથ યોજના મારફતે, 78 ગામોમાં ટેન્કરો મારફતે, 54 ગામોમાં ડીજી સેટ મારફતે અને 193 જેટલા ગામોમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા મારફતે પાણીના વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિનાશકારી વાવાઝોડાના લીધે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં વીજપોલ તેમજ સબસ્ટેશનોને વ્યાપક નુકસાન થતા ગામોમાં મોટર કે અન્ય વીજ ઉપકરણો થકી પાણી પહોંચાડવાનું હાલ શક્ય નથી માટે ડીજી સેટ તેમજ ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.