ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તારીખ 21 મે 2021ના રાત્રે 8 વાગ્યાથી તારીખ 28 મે 2021ના સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ આ 36 શહેરોમાં કરવાનો રહેશે.
8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ 7 દિવસ માટે અમલમાં રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે.
આ ઉપરાંત ૩6 શહેરોમાં આ નિયંત્રણો દરમિયાન દુકાનો જેવી કે વાણિજ્યિક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યૂટીપાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારે 9 વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત ૩6 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેની મુદત 18 મેના રોજ પૂર્ણ થઈ હતી પરંતુ વાવાઝોડાના કારણે આ મુદતને ત્રણ દિવસ સુધી લંબાવવામાં આવી હતી પરંતુ, હવે આજે અમરેલીના પીપાવાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, 21 મેથી 27મી સુધી મિનિ લોકડાઉન લાગુ રહેશે પરંતુ, તે દરમિયાન વેપારીઓ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી તેમની દુકાનો ખુલ્લી રાખી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.