બાર સાંધે ત્યાં તેર તૂટે એ કહેવત હાલ ગુજરાત માટે સાચી ઠરી રહી છે એવું કહીને તો કંઈ ખોટું નથી. ગુજરાતના માથે એક પછી એક નવા રોગ સંકટ બનીને મંડરાઈ રહ્યા છે. એક બાજુ કોરોના માહામારી તો બીજી તરફ મ્યુકરમાઈકોસિસના કારણે ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યાં હવે એસ્પરઝિલસ નામની ફૂગે લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે.
રાજકોટ શહેરના ફેફસાના નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલમાં 100 થી વધુ પેશન્ટ આ ફૂગની સારવાર લઈ રહ્યા છે. કોરોના પછી અમુક સમય પછી આ ફૂગ થવાની શક્યતા રહે છે. કોરોના બાદ 20-40 જેટલા દિવસ બાદ આ ફૂગ થવાની સંભાવના ડોક્ટરો દ્વારા સેવવામાં આવી રહી છે.
ફેફસાંના નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા પરંતુ કોરોના બાદ દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ વધી રહ્યા છે.
નિષ્ણાતના જણાવ્યા અનુસાર વહેલી તકે આ રોગનું નિદાન થાય અને વહેલી તકે તેની સારવાર શરૂ કરી દેવામાં આવે તો આ રોગ ઘાતક નથી. પરંતુ સારવારમાં કે નિદાનમાં મોડું કરવામાં આવે તો આ રોગ ઘાતક સાબિત થઈ શકે છે. આ રોગમાં પણ ન્યૂમોનિયા જેવા જ લક્ષણો જોવા મળે છે. જેમાં પેશન્ટને તાવ આવવો, કફ થવો, કફમાં લોહી જેવા લક્ષણો જોવા મળે છે. એસ્પરઝિલસનું નિદાન કરવા માટે કફનું સેમ્પલ લેવામાં આવે છે અને તેનો રિપોર્ટ કરવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને એસ્પરઝિલસ રોગ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને પણ આ રોગ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
તબીબી નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આ રોગની સારવાર ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. સામાન્ય રીતે આ ટેબ્લેટ 2 વાર લેવાની હોય છે અને 21 જેટલા દિવસ સુધી તેની સારવાર ચાલી શકે છે. એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. આ ટેબ્લેટ 700થી 800 રૂપિયાની આવે છે.